Thursday 5 March 2020

THAPPAD- bas itani si bat




જયારે પણ વિચાર આવે કે જીવનમાં જરૂરી શું છે ત્યારે આ પ્રશ્ન ખોખલો બની જાય એક વ્યક્તિની ઓળખ વિના અને આ ઓળખ એટલે શું? સામાજિક દરજ્જો, માનપાન કે પછી સ્વાભિમાન? હા. આપણે એ સમાજમાં રહીએ છીએ જ્યાં આ બધું જ વ્યક્તિની ઓળખનો ભાગ છે પણ જો એ પુરુષ હોય તો! જો સ્ત્રી હોય તો એનું સ્વાભિમાન, માનપાન અને દરજ્જો તેના પતિ કે પિતા સાથે જોડાયેલું છે. આવી જ નરી વાસ્તવિકતાનું નગ્ન ચિત્ર રજુ કરતું અને સિનેમાના પડદા પર બીજી કોઈ વાત માટે નહી પરંતુ સ્વાભિમાન માટે લડી રહેલી ફિલ્મ એટલે અનુભવ સિંહાની થપ્પડ!



લગ્ન જીવનમાં શરૂઆતમાં નહી કહેવાયેલા પરંતુ વણાઈ ગયેલા નિયમો સામેના સવાલ એટલે અનુભવ સિંહાની ફિલ્મ થપ્પડ!


જો કોઈ પત્ની બધાની વચ્ચે તેના પતિ સાથે ઉંચા અવાજમાં વાત પણ કરી લે અને કદાચ જો એનો પતિ સમજદારીના ભાગ રૂપે પણ એ વાતને જતી ન કરે તો એ સ્વાભિમાની, મર્દ અને પુરુષની વ્યાખ્યામાં યથાર્થ પુરવાર થનારો પણ જો આ જ વાત સ્ત્રીની તરફેણમાં કરવા જઈએ તો તે ઉદ્દંડ, ઘમંડી, અસંસ્કારી, માત્ર પોતાનો વિચાર કરનારી શીલ વિનાની નારીના સ્વરૂપમાં આવે. અનુભવ સિંહાએ એક પછી એક પડદા ઉપાડવાનું કામ શરુ કર્યું છે, વાસ્તવિકતાને પ્રત્યક્ષ કરાવવાનું શરુ કર્યું છે અને કદાચ એટલે જ તેની ફિલ્મો જે બ્લોક-બસ્ટર હોવી જોઈએ એના સ્થાને ફ્લોપ જઈ રહી છે. થપ્પડ! જો એક ચુટકી સિંદુરની કિંમત સાહેબને નહોતી સમજાણી તો એક થપ્પડની કિંમત પણ કઈ રીતે સમજાય? લોકોને તો ટ્રેલર જ બોરિંગ લાગેલું કેમકે એક થપ્પડ માટે કોઈ સ્ત્રીની છુટા-છેડા માટેની માંગ વ્યાજબી ઠરાવવી એ જ જાણે કે એક જોક છે. અને હા, આ વાતને વર્ષો પહેલાના મારપીટના કુરિવાજ સાથે સાંકળવાની મારી સહેજ પણ ઇચ્છા નથી, પણ જે પડદા ઉઠાવી રહ્યા છે એમાં સુર નહી પુરાવવામાં આવે તો જાણે કે આપણે ૧૮મી સદી માટે આજની પેઢીને તૈયાર કરી રહ્યા છીએ એ સાબિત કરવા માટે કશાય પુરાવાની આવશ્યકતા નહી રહે. 

तन्ने मारने के लिए मुझे लाइसेंस चाहिए का?!

અનુભવ સિંહાની ફિલ્મ થપ્પડ જાણે કે પોતે જ થપ્પડ છે આ સમાજની માનસિકતા ઉપર, આ સમાજના કુરિવાજો ઉપર અને સમાજ દ્વારા થોપી દેવામાં આવેલા મોભા ઉપર. કલાત્મક દ્રષ્ટીએ જોવા જઈએ ને તો માત્ર કલાકારોની એક્ટિંગ કે પછી ઉભા કરવામાં આવેલા સેટ જ નહી, એ સેટને દેખાડવા માટે કેમેરાનું ભ્રમણ જ ફિલ્મ નિર્માતાનો આશય સ્પષ્ટ કરે છે, કદાચ માનસિકતા પણ સ્પષ્ટ કરે છે અને એટલે જ કદાચ થપ્પડ ફિલ્મ feminism નહી પણ Gender equality ના ભાગ રૂપે એક તમાચો બનીને ઉભી રહે છે. આમ જોવા જઈએ તો જોવા જવા જેવું છે જ શું આ ફિલ્મમાં! એક થપ્પડ માટે છુટા-છેડા અને છેલ્લે છુટા-છેડા લઇ લે એટલે સુખદ અંત. પ્રશ્ન તો આ સુખદ અંતમાંથી જ શરુ થાય છે કે ખરેખર આ અંત સુખદ છે ખરો? પોતાને જે જોઈતું હોય એ મેળવીને પણ આ સમાજમાં સુખ સ્ત્રીને મળી શકે ખરું?


Fare play તો જાણે કે આખા ફિલ્મ દરમિયાન કેન્દ્રમાં હતું પણ ફિલ્મનું મુખ્ય પાત્ર (અમૃતા- તાપસી પન્નુ) ના પિતા પાસે એક ખુબ સરસ વાત અનુભવ સિંહા એ કહેવડાવી છે કે કે सच और सही करने से हमेशा खुशी नहीं मिलती। અમૃતાને થપ્પડ માર્યા પછીના અમૃતા અને તેના પતિ વિક્રમ સાથેના સંવાદમાં પણ અનુભવ સિંહા એ કેમેરાની ગજબ કરતબ બતાવી છે, શબ્દો વિક્રમના અને ચહેરો સતત અમૃતનો! જે અપમાન અમૃતાના જીવનમાં વણાઈ ગયું છે એ અપમાનનો એક અણસાર માત્રનો અનુભવ શું થઇ ગયો વિક્રમને એણે તો કંપની છોડવાનું નક્કી કરી લીધું. જો પુરુષ જે જગ્યાએ કામ કરતો હોય એ જગ્યા પરથી કામની રજા લેવા માટે એને કોઈની પરવાનગીની જરૂર ન હોય તો પછી શા માટે સ્ત્રીને પોતે જે જગ્યાએ કામ કરે છે તે જગ્યા પરથી કાયમ માટે છુટા થવા માટે પરવાનગી લેવી પડે? જો પુરુષ માટે તે કામ કરે છે એ જગ્યાને કંપની તરીકે સહજ રીતે સ્વીકારી શકાય તો શા માટે સ્ત્રી ઘરને કંપનીનું નામ ન આપી શકે? આમ તો ઘર પણ એક કંપની જ થયું ને? પુરુષ પોતાની સફળતામાં સ્ત્રીને પોતાનું ઘરેણું બનાવીને લઇ જઈ શકે તો પુરુષ સ્ત્રીનું ઘરેણું બનીને જાય ત્યારે કેમ દ્રષ્ટિકોણ તદ્દન ફેરવાઈ જાય છે? શું પુરુષ સ્ત્રીનું ઘરેણું ન હોઈ શકે? નહિતર શા માટે કોઈને પણ એકબીજાનું ઘરેણું બનાવવું જ!


સ્ત્રી માત્ર સ્ત્રી છે જયારે વાત ઘરની આવી જાય. એ પછી કોઈ વરિષ્ઠ વકીલ હોય, ગૃહસ્થી હોય કે કોઈ કામવાળી સ્ત્રી. સન્માન અને સ્વાભિમાનના ભોગે મળતો પ્રેમ એ ખરેખર પ્રેમના નામને પણ લાયક છે ખરો?


વાત જયારે ફિલ્મની થાય ત્યારે કેમેરો એટલા માટે અગત્યનો બની જાય કે one picture is equal to thousands words અને એટલે જ અનુભવ સિંહાના ફિલ્મોમાં જ્યાં મૌન વેદનામાં પરિણમી જાયને ત્યારે જ એ શબ્દોને અવકાશ આપે છે. એમનો પ્રયાસ નવી વિચારધારાને રોપવાનો પરંતુ એક ખોટી માનસિકતા જેનો સહજ સત્ય તરીકે આપણે સ્વીકાર કરી લીધો છે તેને તોડવાનો છે. આ વાતનો પુરાવો જોઈતો હોય તો હજી વધુ એક ડોકિયું કરી આ થપ્પડમાં. જયારે અમૃતાના પિતા રસોડામાં કામ કરતા હોય એ દ્રશ્ય આવે ત્યારે એ કશુક નવીનતાભર્યું કામ કર્તા હોય એ  રીતે નહી પરંતુ જો કોઈ પુરુષ ઘરનું કામ કરે તો એમાં કશી વિશિષ્ટતા નથી એ રીતે પડદોસા નજર સામે ફરે છે અને જયારે વિક્રમનું રસોડામાં ચા બનાવતું દ્રશ્ય આવે ત્યારે જાણે કે તે અમૃતાના ભાગનું કામ કરીને કોઈ ઉપકાર કરી રહ્યો હોય એમ પડદો ફરે. જમવાના સમયે ટેબલ પર જયારે વાતો થતી હોય અને જયારે ચર્ચા મહત્વનું સ્થાન લે ત્યારે અચાનક જ કેમેરામાં સ્ત્રી પાત્ર બ્લર થઇ જાય. આ ફિલ્મમાં કેમેરાની કમાલ જ એ છે કે આ સમાજમાં ઘરકામની જવાબદારી સ્ત્રીની છે એ વાતને બતાવવા માટે પણ માત્ર ઘરકામ પર કેમેરાને સ્થિર નથી કરાયો. પસાર થતા સમય સાથે  વર્ષો પછી પુરુષ પાત્ર પોતાના જીવનમાં કોઈ શિખર પર ઉભું હોય અને એની દિનચર્યા પણ બદલાતી રહેતી હોય જયારે સ્ત્રીનું પાત્ર પણ પુરુષની સાથે કામ કરતું હોવાં છતાંય તેની દિનચર્યામાં, તેના વર્તનમાં કે તેની સાથેના વર્તનમાં પણ કશો જ ફેરવાર નોંધી શકે નહી. શું એ માટે કે તે ઘર કામ કરે છે કે પછી એ માટે કે તેને સોપવામાં આવેલું ઘરકામ એણે સ્વીકારી લીધું એ માટે? પોતાના જીવનમાં ખરેખર સુખી છે એ વાતનો સ્વીકાર કરીને જીવી રહેલી તમામ સ્ત્રીઓ એક વાર પણ વિચાર કરે ને તો સોનાના પિંજરની પીડા અસહ્ય બની જાય. અનુભવ સિંહા પણ આ વાતને ભૂલી નથી જતા કે જો આવા થપ્પડ પર કેસ થવા લાગે ને તો તો ભારતમાં અડધાથી વધુ છુટા-છેડા થઇ જાય. પણ એમનો પ્રશ્ન એ છે કે શું તો એ માટે આવા થપ્પડ સહન કરી લેવાના? હા, સહન નહી કરવાના પરિણામ સ્વરૂપે પણ ન્યાય, સમ્માન, સ્વાભિમાન અને દરજ્જો પરત મળે એની કોઈ જ ખાતરી નહી એ વાત જ કદાચ આ ફિલ્મનું હાર્દ છે.

जो तटस्थ हैं समय उनके भी अपराध लिखेगा!


કહેવાય છે કે એ જ સાચો કલાકાર છે જે જીવનની વાસ્તવિકતાને, કરુણતાને, વેદનાને પોતાની કલામાં ઉતારી શકે. ફિલ્મ પણ એક કલા જ છે એ બાબતના મૂળમાં જવું હોય તો અનુભવ સિંહાની થપ્પડARTICLE 15, મુલ્ક અને ગુલાબ ગેંગ જેવી ફિલ્મો સુધી તો જવું જ પડશે. જો ઈચ્છા હોત તો ફિલ્મ વધુ રસપ્રદ અને વધુ પ્રેક્ષકોને આકર્ષી શકી હોત, એક-બે આઇટમ સોંગ પણ આવી શક્યા હોત અને થોડો રોમાન્સ પણ, પણ જે વાસ્તવિકતાના હાર્દને મારીને સત્ય પીરસે એ સત્ય તો ક્યાંનું સત્ય?  


ખરેખર આ થપ્પડ છે થપ્પડ ઉપર!


Anubhav Sinha's Blog