Friday, 10 November 2023

અવિરત જીવંત આપણી એવી પુરુષ પ્રધાનતાનું વધુ એક ઉદાહરણ!

અવિરત જીવંત આપણી એવી પુરુષ પ્રધાનતાનું વધુ એક ઉદાહરણ! (કદાચ તમારી જ, મારી  તો નહિ)

 

ઘણા સમયથી ગુજરાતીમાં કોઈ આર્ટીકલ કે રીવ્યુ પોસ્ટ નથી કર્યો . It was another of our fear that life wouldn’t turn out to be like a literature. - Barnes  માસ્ટર પૂરું કર્યા પછી આ વાત આગળ વધતા દરેક ડગલે અનુભવી છે અને આ વાત ને વળગી રહેવા માટેની કિંમત પણ ચૂકવી છે. ભણી લીધા પછી(જે ભણતરમાં મેં એવું શીખ્યું હતું કે ભણવાનું ક્યારેય પૂરું થતું નથી, માણસ તો લાઈફ લોંગ લર્નર છે) આમ તો એ ભણતર હજી શરૂ છે, મને અને મારા જેવી તમામ સ્ત્રીઓને એવું લાગે છે કે તે સ્વત્રંત છે, સક્ષમ છે અને પુરતું સામર્થ્ય ધરાવે છે પોતાની વાત, વિચાર અને સિદ્ધાંતોને વળગી રહેવા માટેનું. પરંતુ પ્રશ્ન એ છે આ સામર્થ્ય હોવા છતાં ય કેટલી સ્ત્રીઓ આ વાત, વિચાર અને સિદ્ધાતોને વળગી ને રહી શકી?! સદીઓ પહેલા પણ અન્યના વિચાર સ્વીકારવાનો, સલાહ માનવાનો, સ્વત્વના સ્વ-હનનનો અને છતાય આ બધું જ સ્વીકારીને પણ, ભાર વેઠીને પણ અપજશ અને દયાનું પાત્ર સતત એક સ્ત્રી જ બનતી રહી છે.

આપણી આ ૨૧મી સદીનો સમાજ (જેનું વર્તમાન કદાચ ૧૯ મી કે એનાથી ય પાછળની સદીમાં જીવી રહ્યો છે.)  ક્યારે એવું સમજશે કે લગ્ન એ જીવનનું આખરી ધ્યેય નથી. લગ્નસંસ્થા એક એવી સંસ્થા છે જ્યાં કોઈ પણ compromise ને કશો અવકાશ નથી. લગ્નસંસ્થા એ સ્વીકૃતિ, સ્વતંત્રતા અને સમજણના સામંજસ્યથી જોડાયેલ સબંધ છે. આજનો compromise આવતી કાલે sacrifice સુધી લઇ જાય એ પહેલા આપણે માત્ર સ્ત્રીઓને આપવામાં આવતી સલાહો ઉપર કાપ મુકવો જોઈએ એવું નથી લાગતું?  

આજે સવારે જ એક લેખ વાચ્યો. દર બીજા કે ત્રીજા દિવસે એક અથવા બીજી રીતે કશુક ને કશુક જે સતત આપણી પુરુષ પ્રધાનતા ને પોષી રહ્યું હોય એવું આંખ સામેથી પસાર થવા છતાય એવી તીરછી અસર નથી થતી હોતી! કહેવાય છે ને કે જેમ એક જ જોક્સ ઉપર સો વાર હસી ન શકાય એમ એક જ પીડામાં સો વાર કઈ રીતે પીડાઈ શકાય? આપણે એવું ક્યારે સમજશું કે રોટલીને ચીપિયા વગર પકડતા મમ્મી કે દાદીની આંગળીઓ બળતી નથી એવું નથી પરંતુ રોજ એક જ આગમાં બળીને એ આગે ફરજ પાડી છે આંગળીઓને આગની માફક થવાની!! વાણી સ્વાતંત્ર્ય આપીને સ્ત્રીના વિચાર પર સતત ઠઠ્ઠા મશ્કરી ઉડાવવી એ સ્ત્રીત્વનું અપમાન છે.(માણસ તરીકે જેને સ્વીકૃતિ મળવાની કદાચ હજુ પણ બાકી છે અન્યથા આ અપમાન માણસના સત્વનું છે.) આ સલાહોએ પહેલા તો લોહી ઉશ્કેર્યું પણ પછી થયું કે વીંછીની દાનત ખરાબ નથી એનાથી શું વીંછીના ડંખનું ઝેર ઓછું થઇ થઇ જાય?

લોકો સલાહો આપે ત્યાં કશો વિરોધ નથી. વડીલ છે, અનુભવી છે, વધુ દિવાળીઓ જોઈ છે તો શક્યતા છે કે સમજદારીની સીડીના ઉચ્ચ પગથીયે હોય. પણ સવાલ ત્યાં છે કે જયારે આ સુધરી ગયેલા સમાજમાં આજે પણ સલાહો અને જ્ઞાન સ્ત્રીઓના ભાગે જ વધુ આવે છે!

વાચેલી સલાહો ઉપર ટૂંક ટિપ્પણીઓ:

(૧) શહેરનો મોહ:

સ્ત્રીને આજે પણ સુખની અભિલાષામાં પોતાનું ઘર છોડીને જવાનું છે અને આ પરિસ્થિતિમાં એવી આશા રાખવી કે એ કશો પણ મોહ ન રાખે, એ પણ આધાર વિના તો શું એ વાત સ્વીકારી લેવી જોઈએ કે આપણે આજે પણ સ્ત્રી પાસેથી યુગોથી રાખવામાં આવેલી જ એક અપેક્ષા રાખી રહ્યાં છીએ? જો હા, તો પણ કદાચ મારા જેવી સ્ત્રી એ વાત સ્વીકારી લેવા તૈયાર છે પણ શરત માત્ર એટલી કે આપણા સમાજે વિકસિત અને  વિચારોથી વ્યાપક હોવાનો દાવો છોડવો પડશે! અદ્રશ્ય દીવાલ પાછળ રાખવા કરતા સ્ત્રીને સ્પષ્ટ કહી દેવું જોઈએ કે તારે આજે પણ મોહ રહિત થઈને જ જીવવું પડશે!

વાત આટલેથી જ પૂરી નથી થઇ જતી કેમકે જો શહેરનો મોહ રાખવો જ ખોટો હોય તો માત્ર લગ્ન માટે સ્ત્રી શહેરનો મોહ રાખે એ નહિ પરંતુ પુરુષ કમાવવા માટે પણ શહેરનો મોહ રાખે એ વાત અયોગ્ય ન ગણાવી જોઈએ?

(૨) નાની છે, ભણે છે!!

એક વાત જોક તરીકે કેટલીય વાર હસીને કાઢી કે “છોકરીના પાપા એ લગ્ન માટે એમ કહીને ના કહી કે અમારી છોકરી તો હજુ ભણે છે. તે અમારો ગગો કઈ તમારી છોકરીના ચોપડા નહિ ફાડી નાખે!” જે વાત ઉપર કશો જ જવાબ નથી મળી શકતો એ વાતને હસી કાઢીએ છીએ. આવી દલીલ આપનાર ને એ જવાબ મળવો જોઈએ કે એ મારા ચોપડા ભલે ફાડી ન નાખે પરંતુ મારે મારી ઇચ્છાઓને ફાડવી પડશે, મારી મરજીઓને રહેસવી પડશે અને રસોઈની અણ આવડત મારી દરેક આવડત ઉપર ભારે પડશે! ખરું ને?

છતાંય કૃતજ્ઞ છીએ એ તમામ માતા-પિતાના જે એવું પ્રત્યક્ષ અને સ્પષ્ટ કહી શકે છે કે અમારી દીકરી હજી નાની છે, ભણે છે! નહીતર એ સમય દૂર નથી જ્યાં આપણે પુર વેગ થી દોડી રહ્યાં હશું, આગળ નહિ, પાછળની તરફ!

(૩) I want freedom

જે સ્વતંત્રતા વર્ષોથી પુરુષ પાસે છે, જન્મજાત મળી છે એ જ સ્વતંત્રતા સ્ત્રીઓ વાપરવા લાગી ત્યારે આપણે આ જ વાતને કેમ સહજતાથી સ્વીકારી નથી શકતા? અહિયાં Virginia Woolf ની To The Lighthouse નું પાત્ર Lily Brisko યાદ આવે છે કે જીવન દુઃખનો ભાગ છે, કશુક કરવા કે નહિ કરવાથી દુખ નો સામનો નહિ કરવો પડે એવું નથી પરંતુ Mrs Ramsay ની જેમ બધી જ જવાબદારીઓનો ભાર લેવા છતાંય જીવનની કોઈ એક રાતે રડવાનું નસીબમાં હોય જ તો શું માત્ર સ્ત્રીને નહિ પણ, પુરુષને ય અને આખરે તો એક માણસ તરીકે અધિકાર છે પોતાનું દુખ અને સુખ પોતાની મરજીથી પસંદ કરવાનો?

(૪) પાતળી આર્થિક સ્થિતિ

દરેક સ્ત્રી પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે એ બહાર કામ કરતી હોય કે ન કરતી હોય, પૈસા કમાતી હોય કે ન કમાતી હોય ઘર સાચવતા તો આવડવું જોઈએ. સ્ત્રી વગરનું ઘર એ ઘર નથી, મને લાગે છે કે આ વાત કોઈ પુરુષે કરેલી હશે, કામથી બચવા માટે! જે સ્ત્રીને પોતે બહાર જઈને કમાવાની છૂટ નથી મળવાની એ પોતાના જીવનસાથીમાં આર્થિક સધ્ધરતા શોધે તો શું મોટી વાત છે!

પુરુષની ઘણી બાબતો માટે સ્ત્રીને જતું કરવાનું શીખવવામાં આવે છે તો પસંદગીના સમયે સ્ત્રી અમુક બાબતોની ઇચ્છા સેવે એ તદ્દન નકારી શકાય એવી બાબત તો નથી જ!

(૫) ભણેલો હોવો જોઈએ.

જો આજના સમયમાં પણ સ્ત્રીને એમ જ કહેવાનું હોય કે પરણવા માટે છોકરો ભણેલો ન હોય તો પણ ચાલે, પરણી જવાય નહિતર આંટી થઇ જશો! તો મને તો એવું લાગે છે કે આંટી નહિ ડોશીમાં થઇ જવાય અને આવનારા બીજા બે જન્મ ડોશીમાં થઈને કાઢી નાખવા પડે તો કાઢી નાખી શકાય પરંતુ કોઈ પણને પરણી તો ન જ જવાય! કેમકે પરણ્યા પછી કોઈ પણ સવાલમાં સૌથી પહેલો જવાબ એ જ મળશે કે લગ્ન પહેલા આ વાતની ખબર જ હતી ને??

યુગોથી આપણી સંસ્કૃતિએ સ્ત્રી-પુરુષના સમાન અધિકારને પ્રાધાન્ય આપ્યું છે અને આપણી સંસ્કૃતિ માત્ર આપણા ધાર્મિક પુસ્તકો અને વાયકાઓમાં જ ન રહી જાય પરંતુ આપણી સંસ્કૃતિ આપણા કર્મોમાં જીવંત રહે એવું માનનારા લોકો પણ આ વાતને પૂરેપૂરું સમર્થન આપતા હશે એવું લાગે છે.

અને હા, લગ્ન-સંસ્થા માત્ર અન્યને સુખી કરવા માટે જ નહિ, પરંતુ પરસ્પર સુખી રહેવાની, રહી શકવાની ઈચ્છા સાથે જોડાયેલ સબંધ છે જેમાં સમર્પણ અને પ્રેમના નામે ઘરનું કામ કરાવવાનું લાઈસન્સ મળી જતું નથી એ વાત પણ આપણા સમાજે યાદ રાખવી પડશે!!

પણ હા, અપવાદને પણ અપવાદો છે. જડતા જીવન નથી પણ ઉલટી ગતિ અધોગતિ છે. કોઈ એક બાબતમાં વર્ષોથી જે પતન થતું આવ્યું છે એનો ભાગ બનીને તેની આવરદા વધારવાનું નરાધમ કામ તો ન જ કરવું જોઈએ!

-    -   Ruchi Joshi


No comments:

Post a Comment