'તરસ'
માણસ જાત પણ કેવી છે! માણસથી એ ત્રાસી જાય છે, છતાં એને માણસ ચાલતું નથી. માણસથી ત્રાસીને થોડા મહિના એકાંત જીવન ગાળવા માટે જે અજાણ્યા પરદેશમાં આવ્યો હતો, પણ એ વખતે ફરીથી જાણે એ માણસોમાં જ રસ લેવાનું શરૂ કરી દે છે.
આ વાત ને સ્પષ્ટ કરતી મોહમ્મદ માંકડની અદ્વિતીય રચના-નવલકથા એટલે 'તરસ'. અને આ 'તરસ' એટલે કેવી રીતે એક 'મહોબત-મંઝીલ' 'ભૈરવગઢ' બની ગઇ એની કથા. એનાથીય વધુ તો આ 'તરસ' એટલે માત્ર પ્રેમની જ 'તરસ' નહીં, પણ માણસના 'એકાંતની તરસ', માણસના 'સંબંધની તરસ'. અને 'માનવતાના ઊંડાણની તરસ'.
નવલકથાની શરૂઆતમાં જ મન્સૂરઅલીમાં માણસજાત તરફનો ધીક્કાર દર્શાવ્યો છે. માણસની નક્કી કરેલી વિચારસરણી અને ધારણા કઈ હદ સુધી ખોટી પડી શકે એનું બેનમૂન ચિત્ર અહીં રજુ કર્યું છે. ખાન મન્સુરઅલી ખરેખર કેવી વિચિત્ર અને ભયાનક દુનિયામાં રહેતો હતો કે એક સામાન્ય માનવી અને કદાચ સામાન્ય માનવી જ નઈ પણ એક એકાંતપ્રિય માનવીને પણ ખાવા દોડે એવા એકાંતમાં એ પોતાની દુનિયામાં રહેતો હતો કે જ્યાં કદાચ એની સાથે રહી-રહી ને માત્ર એનામાં જ નહીં પણ એના ઘરના સભ્યોમાં પણ દયા, માનવતા, માયા, લાગણી, વિવેક જેવી ભાવનાનો અભાવ આપણને સ્પષ્ટ નજરે ચડે છે.
પણ, વિચારવાની વાત તો એ જ છે કે.......
મન્સુરઅલીની એ તો કઈ હદ સુધીની ક્રૂરતા અને નિષ્ઠુરતા કે એ બીજા પર વિશ્વાસ મુકવો તો બહુ દૂરની વાત પણ, માણસજાત પ્રત્યે એટલી નફરત કે એ માણસના જીવનને એક શતરંજથી વિશેષ કંઈ ન સમજે એ તો નફરતની કોઈ ચરમસીમા !
હવેલીના માલિક મન્સૂરીઅલી ખાન, આજિતસિંહ, જાલુભા,
દિલાવર ખાન, યુસુફ ખાન, ગુલશનબાનું હમીદખાન, ઈલ્યાસ શેખ, ગુલબાનું, છોટુ,
હીરાબા અને અમરબાઇ. ખરેખર તો, દરેક પાત્રમાં અનન્ય લાગણીનો ભાવ અને સ્વરૂપ
દર્શાવ્યુ છે. એક જ જગ્યા, એક જ ઘર અને એક જ પરિસ્થિતિમાં ઉછેર થયો હોવા
છતાં માણસમાં લાગણીનું સિંચન અને પ્રેમની ભાવના તદ્દન જુદી! યુસુફ ખાન અને
મન્સુરઅલી ખાન બંને વચ્ચે માનવતાની કેટલી ભેદરેખા! જીવનમાં એક એવો વળાંક
આવે છે કે જ્યાં દરેકનું સર્વસ્વ લૂંટાઈ જાય છે, પણ ત્યારે દરેક વ્યકિત
કેવા જુદ-જુદા રસ્તા અખત્યાર કરે છે.
અહીં, કઈ રીતે માણસ દુ:ખી જીવમાંથી એકાએક આતડો અને આકરો બની જય છે એ વાતને મન્સુરઅલી દ્વારા રજૂ કરી છે. કારણ કે એની ધીરજ સાથે પણ વેરની લાગણી જોડાયેલી છે. અને આ માણસના વેરની લાગણી પણ કેવી ખતરનાક! કેવી ઊંડી! કેવી ઝેરી! જેમ ખરલમાં દવા ઘૂંટાય એમ એના મનમાં ધીરે-ધીરે વેર ઘૂંટાતું રહ્યું અને આ વધુ ઘૂંટાયેલી અસરે પોતાની અસર દેખડવાને બદલે ભયંકર આડઅસર દેખાડી.
જયારે માનવીના સંબંધમાં જયારે કોઈ ત્રીજી વ્યક્તિ આવી જાય છે ત્યારે આવેશમાં આવીને કોઈ એક, (અહીં, ગુલશન) ઉતાવળિયા નિર્ણય લઇ લે છે અને વિખુટા હોવા છતાંય તેનાથી વિખુટા પડી શકાતું નથી. કારણ કે... નવા સંબંધોમાં પોતાની જાતને ઢળવાનું સહેલું નથી, અને જુના સંબંધને નવા ઢાળમાં ઢાળવાનું બહુ અઘરું છે!
આપણા જીવનમાં આપણે પણ ક્યારેક બિલ્કીસ જેવી ભૂલો કરી બેસીએ છીએ અને માની લઈએ છીએ કે સપનાની દુનિયાની જેમ કાળમીંઢ પથ્થર, ઉજ્જડ અને વેરાન મન્સુરઅલી જેવા માનવીના હ્દયના ઊંડાણમાં દયા અને પ્રેમના ઝરણાં વહે જ છે.
કેમકે......
માનવી વિચારે છે કાંઈ અને બને છે કાંઈ!
ગુલશનના ગયા પછી, પોતાના અંતિમ શ્વાસ સુધી તે પોતાના પ્રેમ અને મળેલા તિરસ્કાર માટે પોતાનું સમગ્ર જીવન બદલો લેવાની ભાવના પાછળ અને શેઠના પરિવારના પતન કરવા માટે પોતાનું સર્વસ્વ ઓગલાવી નાખે છે. આખરે જેને માટે તેને પોતાની અડધાથી વધુ જિંદગી વેડફી નાખી એને આખરે એ મેળવીને પણ એ તરસ ના છિપાવી શક્યો. કારણ કે પ્રેમનો સંબંધ એ તો આગ ને સાચવવા બરાબર છે, કેમકે જો એ સાંભળીને રાખીએ તો હૂંફ આપે, નહિતર પોતે તો સળગીને ખાક થઇ જ જાય પણ, સાથે સાથ આપણને પણ સળગાવી દે!
અને એ છતાંય જે ગુલશન, મનસુરઅલીને અનહદ પ્રેમ કરે છે એ જ મન્સુરઅલી માટે બિલ્કીસ કહે છે.......
"શું ખરેખર મન્સુરઅલી માનવી પણ છે ખરો? વાઘ સાથે તમે એક ગુફામાં સુઈ શકો, કાળા નાગની સોડમાં તમે એક ગુફામાં સુઈ શકો, પણ મન્સુરઅલી સાથે જીવવું એટલે આહ..........."
અને, આખરે એ મન્સુરઅલીએ શેખનું બધું જ છીનવી લીધું. એનું સર્વસ્વ લૂંટી લીધું અને ખરેખર જયારે અંતિમ અને હુકમના એક્કા નો વાર કરવાનો હતો ત્યારે એ ડગી ગયો. જેનું નામોનિશાન નાબૂદ કરવા એ કોશિશ કરતો હતો એ જયારે મુઠ્ઠીમાં આવી ગયું ત્યા સુધીમાં તો જાણે કે એને જીવવામાંથી રસ જ ઉડી ગયો.જાણે કે એની તરસને હવે તરસ જ રહી નથી. બહુ અઘરી છે આ માણસને સમજવી, એની તરસને સમજવી કે જે પોતાને જોઈતી વસ્તુ મેળવીને, પોતાને જોઈતી મંઝિલ મેળવીને પણ એની તરસ તૃપ્ત નથી થતી.
ખરેખર,
આ તરસ પણ અજીબ છે........
આખી જિંદગી માનવી જેને માટે વલખા મારે છે, જેને પોતાની જીવનની
તરસ બનાવીને જીવે છે કદાચ એ મળી જાય તો પણ સંતોષી શકાતી નહીં હોય અને કદાચ
એટલે જ તો આ તૃષાને, આ ઝંખનાને 'તરસ' નું નામ અ અપાયું હશે!
અને અંતિમ શ્વાસ સુધી, જીવનની અંતિમ ક્ષણ સુધી આપણે આવી 'તરસ' પાછળ, આવા મૃગજળ પાછળ, આવા ઝાંઝવાના જળ પાછળ ભાગતા રહીએ છીએ, લડતા રહીએ છીએ કિસ્મત જોડે, કોણ જાણે કોને ખાતર! કોણ જાણે કોને માટે!