Sunday 25 August 2019

સૈરન્ધ્રી


સૈરન્ધ્રી
(ખોજ- સ્ત્રીત્વના અસ્તિત્વની!)


સ્વયંવરમાં પણ પોતાના ઈચ્છિત વરને પસંદ ન કરી શકનાર સ્ત્રીની ગાથા,
વિવશતામાં અર્જુનને વરેલ સ્ત્રીની કથા,
 પાંચ પતિઓ વચ્ચે વસ્તુ જેમ વહેંચાયેલ પત્નીની વ્યથા,
મહારાણી પદની અધિકારી હોવા છતાં દાસીત્વ ભોગવનાર સતીની મનોદશા,
આત્મરક્ષણ કાજે કરેલ કિચકના વધમાં ચિતાના માંચડે ચડનાર પાંચ પતિઓની ભાર્યા અને નિજથી છૂટી, નિજમાં ભળી, નિજમાં બળવા પાછી વળતી, ચિતા ચડેલી નારની ભડભડ બળતી જ્વાળા એટલે કવિ શ્રી વિનોદ જોશીની સૈરન્ધ્રી!

બહુ પ્રાચીનકાળ થી સ્ત્રીઓને પોતાના અસ્તિત્વ માટે, ખરા અર્થમાં તો પોતાના સ્વતંત્ર અસ્તિત્વ માટે બહુ આકરો સંઘર્ષ કરવો પડ્યો છે.                 
હદય એકમાં રોકી લીધું,
પંડ પાંચમા વહેંચી દીધું;
ઓઢયું અવધવનું અનુશાસન,
વસ્તુ જેમ જ કર્યું વિભાજન.
(સર્ગ ૨)

સ્ત્રી એટલે માત્ર ઉપભોગનું સાધન! ખૂબ પ્રાચીન સંસ્કૃત પંક્તિ પ્રસિદ્ધ છે કે,
કાર્યેષુ મંત્રી, કરણેષુ દાસી ,ભોજ્યેષુ માતા,
 શયનેષુ રંભા! ધર્મે'નુકૂલા ક્ષમયા ધરિત્રી.
પણ ક્યાં સુધી!? કોઈ ક્યારે સમજશે કે સ્ત્રી પણ પુરુષની જેન એક સ્વતંત્ર જીવ છે! જન્મથી લઈને મૃત્યુ સુધી સ્ત્રીને સતત પુરુષથી એક ડગ પાછળ રખાઈ છે. ક્યારેક પિતા, ક્યારેક ભાઈ તો ક્યારેક પતિના દરજ્જાને પોતાના અસ્તિત્વ અને વ્યક્તિત્વ કરતા વધુ ઉચ્ચ અને માન આપવાનું જ એને બાળપણથી  શિક્ષણ આપવામાં આવે છે. મોર્ડન, વધુમાં આજના સમયમાં પોસ્ટ-મોડર્ન ગણાતા સમયમાં પણ બહુ જૂજ સ્ત્રીઓ, આંગણીના ટેરવે ગણી શકાય એટલી સ્ત્રીઓ ઘરની ચાર દીવાલની બહાર આવી શકી છે અને ઘરની આ ચાર દીવાલની બહાર આવવા માટે બહુ આંકરો સંઘર્ષ અને બલિદાનો આપીને બહુ મોટી કિંમત ચૂકવવી પડી છે. કવિ શ્રી વિનોદ જોશીની સૈરન્ધ્રી આ બાબતની સાક્ષી પૂરે છે કે પ્રવર્તમાન સમયમાં લખાયેલી સૈરન્ધ્રીને પણ આખરે પોતાની વાત સત્ય સાબિત કરવાનો પ્રયાસ કરતા આખરે તો સ્વમાનને ખાતર આત્મહત્યા જ એકમાત્ર રસ્તો રહે છે. હા, વર્તમાન સમયને વિનોદ જોશીએ  તેમના આ પ્રબંધ કાવ્યમાં પ્રતિબિંબિત કરવાનો સફળ પ્રયત્ન કર્યો છે જ્યાં સૈરન્ધ્રી સ્વયં કીચકની હત્યા કરે છે, જ્યારે મહાભારતની કથામાં ભીમ અને અર્જુન સૈરન્ધ્રીની સહાય કરે છે અને અંતે ભીમ દ્વારા કીચકની હત્યા થાય છે. પરંતુ આ બાબત પરથી વર્તમાન સમયની ઝાંખી પણ ઝળકે છે કે, "સ્વબચાવ તથા સ્ત્રીને માત્ર એક શરીર તરીકે જોનારા કિચકનો અંત કરવા માટે તો આજની નારી સમર્થ છે પરંતુ, સ્વબચાવને ખાતર થયેલી હત્યા માટે પણ આખરે સ્ત્રીએ પોતાનો જીવ તો કુરબાન કરવો જ પડશે."

દિન-પ્રતિદિન અખબારો અને સમાચારોમાં કેટલાય બનાવો આંખ સામે આવે છે કે જેમાં સ્ત્રી પણ ન કહી શકાય એવી બાળકીઓને બળાત્કારોના કિસ્સાઓ કમકમાટી ઉપજાવે છે, સૌ કોઈના રૂંવાડા ઉભા થાય છે અને ખબર નહિ કાઈ રીતે પણ પછા બેસી ય જાય છે! નિર્ભયા કાંડ પછી મીણબત્તીઓ હાથમાં લઈ, મોરચાઓ ખડા કરીને જ્યાં સુધી આપણાં આત્માને ઠંડક મળી જવાની છે ત્યાં સુધી દ્રૌપદીને કર્ણને નહિ પરણવાનો પસ્તાવો કરવો જ પડશે, સ્વયંવરમાં પોતાનો વર તો સ્વયં પસંદ ન જ કરી શકી પરંતુ જેણે સ્વયંવરમાં પ્રતિબિંબિત મત્સ્યને જોઈને ઉપર મત્સ્યની આંખ વીંધી એની માતાના આદેશના પાલનને ખાતર પાંચ પતિઓમાં પોતાની જાતને વહેંચવી જ પડશે, પોતાનો કોઈ જ દોષ ન હોવા છતાંય જે પોતાનું વાસ્તવિક અસ્તિત્વ(દ્રૌપદી) જે સ્વયં જોખમમાં છે એને નેવે મૂકીને સૈરન્ધ્રી બનવું જ પડશે! બીજો કોઈ રસ્તો જ ક્યાં છે!

કવિ શ્રી વિનોદ જોશીએ સૈરન્ધ્રીને ચિતા પર ચડવા માટે સ્વયં જે રીતે ચડતી બતાવી છે અને સામે પાંચ પાંડવો જે માત્ર પોતાને વધુ બાર વર્ષનો વનવાસ અને એક વર્ષનો અજ્ઞાતવાસ ન ભાગે ન આવે એ માટે પાંચેય પાંડવો નતમસ્તક થઈને ઉભા છે અને સૈરન્ધ્રી લોકોની ભીડ વચ્ચે તથા પાંચ-પાંચ પાંડવોની સામે અગ્નિની ભડ-ભડ બળતી જ્વાળાઓમાં ધુમાડો બનીને પોતાની પત્નીને પોતાની  આંખ સામે ધુમાડો બનીને ઉડી જતા જોઈ રહેતા પહેલા તેમના કાળજા કેમ ન બલી ગયા એ વિચાર આવે છે! હદય આક્રંદ કરી ઉઠે એવુ વર્ણન વિનોદ જોશીએ અહીં આલેખ્યું છે.
નહિ સ્થિર, નહિ વિદ્યુતવેગી,
નહિ અળગી, નહિ દીસતી ભેગી,
સમ્યક ભાવ ધરે સન્નારી,
લોક બધા કહેતા હત્યારી.
(સર્ગ  ૭)

અહીં, કવિ શ્રી વિનોદ જોશીએ સૈરન્ધ્રીના પાત્ર દ્વારા આ પ્રકારની સ્ત્રીઓ સાથે થતા અન્યાયો અને અત્યાચારો ઉપર પણ દ્રષ્ટિપાટ કરાવ્યો છે. સૈરન્ધ્રીના પાત્રને સ્વતંત્ર રીતે જોતા આ ખ્યાલ સ્પષ્ટ થાય છે.
               ચિતા ચડેલી નારને, નીરખે લોક સમસ્ત,
              દિશા વિસ્તરી એટલી, સૂર્ય ન પામે અસ્ત!
                                  (સર્ગ ૭)

અગ્નિમાંથી નીકળેલી સ્ત્રી અગ્નિમાં પોતાની જાતને હોમવા જાય ત્યારે વિનોદ જોશી દ્વારા ખડું કરાયેલું ચિત્ર હદયને કમકમાવી મૂકે છે. વર્તમાન સમયમાં સ્ત્રીને સળગાવી દેવાના અથવા સ્ત્રીએ જાતે અગ્નિસ્નાન કરી લીધું હોય એવા  કિસ્સાઓ શોધવા જવાની જરૂર નથી. માત્ર થોડી નજર આમ-તેમ કરતા આવી ઘટનાઓ જે આપના કને બહુ નજીકના સમયમાં જ સાંભળી હોય એ બધી જ ઘટનાઓ કાન પાસે ઢોલ-નગારા વગાડવા લાગે છે.

ખબર નહિ ક્યાં સુધી સ્ત્રીએ પોતાના અધિકાર માટે અને રક્ષણ માટે લડવાનું છે. જે પોતાનું જ છે એ મેળવવા માટે ની જંગ વર્ષો પહેલાથી ચાલી આવી છે અને તેનો અંત ક્યારે આવશે એ વિશે અનુમાન લગાવવું પણ ખૂબ મુશ્કેલ છે!

સમાજ! શબ્દ ઉચ્ચારતા જ આંખો લાલ થઈ જાય અને બીજી જ ક્ષણે આત્માને ઉધઈ જાણે લાકડાની પેઠે ખાઈ જતી હોય અને કશું જ નહીં કરી શકવા બદલ ચહેરા ઉપર કરૂણ હાસ્ય ઉપસી આવે! ખરેખર તો સૈરન્ધ્રીના સ્વરૂપમાં કવિ શ્રી વિનોદ જોષી રજૂ કર્યું છે  સ્ત્રીની પ્રવર્તમાન વાસ્તવિકતાને સાત સર્ગમાં આલેખી છે જ્યાં સૈરન્ધ્રી સ્વબચાવ માટે તો સમર્થ છે પરંતુ સ્વબચાવ બાદ પોતાના અસ્તિત્વનો બચાવ હજુ પણ પડકારરૂપ બની રહ્યો છે.

સમય બદલાઈ ચુક્યો છે, સમાજ બદલાઈ ગયો છે અને કદાચ આપણે પણ બદલાઈ ગયા છીએ!? એટલા બદલાઈ ગયા છીએ જ્યાં કેટલીય સૈરન્ધ્રીનું પોતાની ઓળખ માટે તથા પોતાના અસ્તિત્વ માટે, અગ્નિ સમક્ષ રમખાણે ચડેલ સ્ત્રીના નિજ પરિચયની શોધની નાવ વમળો વચ્ચે આવીને અચાનક જ તોફાન સામે ઝઝૂમતા-ઝઝૂમતા ક્યાંક વમળોમાં ખોવાઈ ગઈ અને હોમાઈ ગયું અસ્તિત્વ નિજનું! 

હજુ પણ અવિરત ચાલતી સ્ત્રીત્વના અસ્તિત્વની ખોજમાં અને સૈરન્ધ્રીના અસ્તિત્વની શોધમાં...

આભાર.

2 comments: