નમસ્કાર મિત્રો,
વૈધા એ સડસડાટ પગથિયાં ઊતરવા નું શરુ કર્યું. નીચે આવી. ચારે તરફ જોયું. જો ન જોયું હોત તો પણ અંધકાર સિવાય કશું જ હોવાનું નહોતું. ખબર નહિ કેમ પણ છેક સુધી ન આવી. પગથિયાં પર અટકી ગઈ. વિચારે વેગ લીધો. લાઇટની સ્વીચ શરૂ કરવી કે કેમ? વૈધા કોઈ વિચાર કરે એ પહેલા ડરે પગ પેસારો કરી લીધો. કશુંક ખૂંચી રહ્યું હતું, ખૂંપી રહ્યું હતું ને કંપાવી રહ્યું હતું. વૈધા નીચે ન જઈ શકી. ઉપર ફરીથી અગાસી માં પહોંચવું સરળ નહોતું એમ છતાં વૈધા પહોંચી. આદત વશ ડાયરી સાથે હતી એટલે ધ્યાન ભંગ કરી શકાયું. ફોન ની ફ્લેશ એ પેન દેખાડી. વૈધા એ જોઈ. લીધી. ઉપાડી. ખોલી. શરૂ કર્યું. ગ્રીવા ના સંબોધન અને સરનામે લખાણ શરૂ થયું.
વૈધા વિચાર ને વાચા આપી રહી હતી કે વાચા ને વિચાર ન આવે એ માટેની આ તકનીક હતી?
To,
ગ્રીવા.
સરનામું: જેને વાંચવું જોઈએ એને નહિ જેને વાંચવાની ઇચ્છા છે એને!
એક આખો લખાયેલું છતાંય સાવ અધૂરો જાણે કે ફાડી ને ફેંકતી હોય એવું લખાણ. શબ્દો સિવાય કશું નહિ. આમાં શબ્દો છે હું નહિ! અત્યારે આ શબ્દો મારા છે, પ્રતિનિધિત્વ પણ મારું જ કરે છે પણ એ મારા વફાદાર નથી. મારે કહેવું છે એ નહિ, પોતાનો સ્વતંત્ર અર્થ લઈને જે અસ્તિત્વ ધરાવે છે એ જ કહેશે એ!
રાત ના બાર વાગ્યા છે બરાબર. જાણે કે ધસમસતો પ્રવાહ. અમાસ તરફ,અંધકાર ને મેળવવા માટે જતા ચાંદે આજે પોતાનો વધ્યો ઘટયો પ્રકાશ આપવાનું કષ્ટ પણ ન કર્યું. બીજો કોઈ જ વિચાર નથી આવતો, સિવાય એક! અગાસી માં સુતા હોય ને કશુંક થાય ત્યારે આ જ વિચાર સૌથી પહેલા આવે, મારા માં કશુંક ખૂબી વાળું છે એવું નહિ. નીચે જવું હોય તો અત્યારે અહીંથી કૂદી જ જવાય. નીચે જવાના બહાને ઉપર પહોંચી શકાય. બે જણાં પોતાની જાત ને હોમે છે, એટલા માટે નહિ કે કશુંક પોતે ખોટું કર્યું છે પણ એટલા માટે કે જે કશું પણ કર્યું એ મે કર્યું ને ભાર એવો ઊંચકાવી દીધો કે ના પાડવાનું જોર ભૂલથી ય નો કરી શકે. કદાચ મે કશું જ નહોતું કર્યું પણ કશું જ નહિ કરીને મે જે કર્યું એણે આ પરિસ્થિતિ ને નોતરી. જેમનું સ્વતંત્ર અસ્તિત્વ કલ્પી ન શકાય એવા સબંધમાં મારે જગ્યા જોતી હતી. મેળવી લીધી જગ્યા, આજે બેયને ગુમાવીને. એક માં જેરના બીજ રોપ્યા ને એકમાં ત્યાગનું બલિદાન. રોષ અને આક્રોશ કોઈનો પણ હોય, પરિણામ મારી સિવાય બધા ભોગવશે. હું ભોગવીશ કશું નહિ કરવાનું પરિણામ. કદાચ આ રોષ ઉતરી જાય આવનારી પળોમાં પણ આ શબ્દો વાંચનાર ને ડંખ કાયમ માટે રહેશે, હું ઇચ્છું જ છું કે હું સતત દાઝ લગાડ્યા કરું કારણ કે આજ સુધી કર્યું તો એ જ છે પણ છુપાઈને. જાત થી પણ છુપાઈને. આટલા વિચાર પછી પણ કૂદી જવાની હિમ્મત કરનાર હું નથી. કાયર માણસ આજે હિંમત ની દુહાઈ આપે છે. હું કઈ નથી કહેતી, કઈ નથી કહેતી એવું બધું કહી કહી ને જાણે કે મે કેટલી વાર સામેવાળા ને મારી મોટપ દેખાડી. દેખાડવા સિવાય તો રસ હતો જ કઈ વાત નો મને. સતત દેખાડો અને દંભ. આજે ય છે. આમ તો ખબર જ હમણાં હમણાં પડતી થઇ કે દંભના એવા પડદા ને લઇ ને જીવું છું કે કોઈ દંભ કહેવાની હિંમત પણ કઈ રીતે કરે? ને કોઈ હિંમત ન કરે એનો અર્થ એવો તો નથી કે દંભ નથી! દંભ છે ને હતો! ભવિષ્ય નું કશું કહી શકવાની તાકાત નથી મારામાં. ભૂતકાળ અને વર્તમાન માં ઝોલાં ખાવાની ભૂલ કરતો માણસ હંમેશા ભવિષ્યથી ડરીને, ભાગીને અને ભટકીને જીવે છે. મને તો મારા ચાલુ વર્તમાનકાળ માં ય રસ હોવા વિશે શંકા જાય છે કારણ કે મારી પાસે કશી જ ખામી નથી છતાંય ખામી પાડી છે મે જાતે. જ્યાં ખાડો નથી ત્યાં એક વ્યક્તિમાં ખાડો ય પાડી દીધો મે ત્રીજા એક વ્યક્તિને ખાડામાં ઉતારી પણ દીધી.
દંભ છે આ પણ. આ લખવું પણ કેમકે મારી સાથે જોડાયેલ નહિ પણ મારા માં રહેલ બંને કદાચ એક પણ શબ્દ નહિ લખે તોય એમની પીડા - વેદના મારાથી અનેકગણી વધુ છે એ વાત સ્વીકારવી જ રહી. પણ હા, કશુંક લખવાથી લોકો મારા દંભને પણ દંભ નહિ ગણે એની મને ખબર છે ને એટલે જ હું એ કરું છું. દરેક ને જરૂરિયાત બનાવવાની જ ઈચ્છા રાખી, સપનું હમેંશા કોક ની ખ્વાહિશ બનવાનું! બની લીધું, માણી લીધી ને જોઈ લીધું. આજ એટલો બધો ધસમસતો પ્રવાહ છે કે મારે તું જોઈએ છે, અત્યારે જ! આ નીચેની ધૂળ મને રાડો નાખતી બંધ થઈ જાય એ પહેલા. આજુબાજુમાં બધા સૂતા છે. ડરાવતી નથી પણ કહું છું ખાલી. મારે પરાણે ખરેખર કશું નથી કરાવવું યાર, તારી કસમ! પણ શું કરવું, છતાંય મારી વાતનું ધાર્યું થાય એવી જ ઈચ્છા છે. બીજું કશું જ નથી, સિવાય આંખ માં આંસુ. તું પણ નહિ ને એ પણ નહિ. નહિતર આ કૂદવાનું વિચાર મને ડહોળાવી નાખે. તારી મરજી વિરુધ્ધ કઈ નથી કરવું છતાંય તારી મરજી નું પણ ક્યાં કશું કરું છું. તમે બન્ને એ પણ ક્યાં તમારી પોતાની મરજી નું કશુંક કર્યું છે! એક સમયે કશુંક એક જોતું તું, થોડી ક્ષણો પહેલા બધું ને અત્યારે જાણે મારી જરૂર નથી એ શબ્દો એ ફાડી ખાધી. પણ કૂદી જવું જોઈએ?! કૂદી જનાર આટલું વિચારે જ નહિ. ઝમીર નું સત્ય જોઈએ એ માટે, એ જિંદાદિલી જે મારી શકે. ખોખલાપણું, દંભ તો જીવવા માં જ કામ લાગે ખાલી.
પણ હું આ પશ્ચિમ તરફ મોઢું રાખીને બેઠી છું. પૂર્વ ને ખાળવા. મારે મરવું નથી. મેળવવું છે, પણ કોક આપી દે સીધું એવું નહિ! સાથ જોઈએ પણ મજબૂરી થી મળતો નહિ. જીવવું છે. જીવવું છે, પણ આમ તમને મારતા મારતા નહિ. મારું કામ સતત બધું વિખવાનું ને ચિંથરેહાલ કરવાનું રહ્યું. આજે જ્યારે એ થઈ ગયું ત્યારે આંખો ફાટી ગઇ. બે જીવ હોમી દીધા મારા માં. છતાંય મારામાં મળતાં નથી. ખોઈ નાખ્યું મે અસ્તિત્વ એમનું પણ!
..........
ઘડિયાળના ચાર. માથે બેબાકળો ને ગાંડો કરી મૂકે એવો પવન. વાતાવરણ પહેલા કરતા કેટલુંય સારું છે. સ્વભાવને શાંત પાડી દીધો છે, કોણે એ ખબર નહિ! કૂદવું હજીય નથી પણ વિચાર જતો જ નથી જાણે કે ઓલી ધૂળ ને મને અડવું જ છે! અડવું ધૂળ ને છે મારે નહિ!
હવે ધસમસતો પ્રવાહ શમી ગ્યો છે ને વિચારો એ વિરામ લીધો છે. હવે ચીસો નથી પાડવી કે નથી રડવું. ટુંક સમય માટે ખાલી. પણ હજીય રડવું છે, એ બાકી રહી ગયેલી ઉધારી ચૂકતે કરવી છે. રડીને, પણ જો કશુંક પાછું ખેંચી શકાતું હોય તો!
હવે કશુંક કહી દેવાનો ઉમળકો પણ નથી. આંખો ને માથું બેય ભારે છે. હવે ખરેખર સૂવું છે, અડધી રાતની શરૂઆતમાં કરેલ દંભ માટે નહિ પણ સૂવું છે એટલા માટે! સૂઈ જવું છે અમુક નિશ્ચિત શાશ્વતતા નેં કશાક બીજા સ્વરૂપમાં તબદીલ કરવા.
આ માત્ર આટલું નથી, વાંચવાનું વધારે હતું, આમ તો કદાચ લખવાનું વધારે હતું પણ સમય ને સરખો સમય આપ્યો તો એણે મને આ વચલી કલાકોને શબ્દો મળી શકે એવો સમય ન આવવા દીધો. અહીંયા સુધી પહોચશો ત્યાં સુધીમાં તો હું સાચે જ સૂઈ ગઈ હઈશ, સૂઈ જ ગઈ હોઈશ જ્યારે મારે ખરેખર જાગવાનું હતું એટલે હવે સૂવાનો કે નહિ સૂવાનો કઈ પણ ફેર નથી. તો સૂઈ જવું જોઈએ. સૂઈ જવું જોઈએ એ પહેલા કે એ ધૂળ પર મને દયા આવી જાય, કારણ એ મારું કશું નથી, નહિ પ્રેમ, નહિ મિત્ર અને નહિ સ્વજન. મારા એને મળી ગયા પછી પણ એને કંઈ નહિ મળે, તો શાને એને મળવાની આટલી ઉતાવળ! બાકીની કલાકો બીજી કોઈ રીતે મળશે મને, તમને બધાને.
કોઈ ના વાવડ ન હોય એવા ઘનઘોર ઘટાટોપ છાયા નીચે પડછાયાં ની રાહ માં..
રાતમાં ફીટ સાડા ચાર!
હા, આ લખવું એ દંભનો ભાગ જરૂર હશે પણ શબ્દો એ કરેલી ઊથલપાથલ માટે જવાબદાર હું નહિ!
લિ,
વૈધા.
વૈધાં એ પેન બંધ કરી. મૂકી. મુકાઈ ગઈ. ડાયરી ની ઉપયોગિતા મટી ગઈ. ગ્રીવા ને આ પત્ર નહિ મોકલવાના નિર્ણય સાથે, વૈધા એ કાગળ ને ડાયરી માં જ વાળી દીધું. શરીર લંબાવ્યું. સવાર થતાં રાત થઈ.
-રૂચિ જોશી.
No comments:
Post a Comment